તારાપુર તાલુકાના ફતેહપુરા ગામની 16 વર્ષીય વિદ્યાર્થીની ધરતીના મોતે હવે માત્ર એક દુઃખદ ઘટના નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં રાજકીય અને સામાજિક તોફાન ઉભું કર્યું છે. આણંદની ડી.એન. હાઈસ્કૂલ હોસ્ટેલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી ધરતી એ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે, પરંતુ ગામ અને સમાજના લોકોમાં આ ઘટનાને લઈને ગંભીર શંકાઓ ઉઠી રહી છે. ઘણા લોકોનું માનવું છે કે આ માત્ર આત્મહત્યા નથી, પરંતુ કોઈ કાવતરું હોવાની શક્યતા નકારી શકાય તેવી નથી.

ફતેહપુરા ગામની કોળી સમાજની આ દીકરીના અચાનક મોતે સમગ્ર સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ફતેહપુરા, વલ્લી અને આસપાસના ગામોમાં કોળી સમાજના યુવાનો અને આગેવાનો રાત્રિ બેઠકઓ યોજી રહ્યા છે અને ધરતીને ન્યાય મળે તે માટે એકજૂટ થવાની અપીલ કરી રહ્યા છે. સમાજના આગેવાનોનો સ્પષ્ટ અવાજ છે કે આ ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થાય અને જો કોઈ જવાબદાર હોય તો તેને કડક સજા મળવી જોઈએ.

આ ઘટના હવે માત્ર એક પરિવારનું દુઃખ ન રહી, પરંતુ સમાજના સ્વાભિમાન અને ન્યાયની લડત બની ગઈ છે. ખાસ કરીને ત્યારે જ્યારે થોડા સમય બાદ તારાપુર તાલુકા પંચાયત અને આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે, ત્યારે આ મુદ્દો રાજકીય રીતે પણ ભારે અસરકારક બની શકે છે.
સ્થાનિક રાજકારણમાં વર્ષોથી મજબૂત માનાતી સત્તાધારી પક્ષની પકડ માટે આ ઘટના મોટો પડકાર બની શકે છે. કારણ કે એક 16 વર્ષની દીકરીના મોતને લઈને જો ન્યાય માટેનો અવાજ વધુ પ્રબળ બનશે, તો તે સીધી અસર મતદારોના મન પર પડશે. રાજકારણીઓ માટે આ હવે માત્ર એક ઘટના નથી, પરંતુ જનભાવનાની કસોટી બની ગઈ છે.
તારાપુરના ગામડાઓમાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે “ધરતીને ન્યાય મળશે કે નહીં?”

જો સમયસર અને પારદર્શક તપાસ નહીં થાય તો આ ચિંગારી આગમાં ફેરવાઈ શકે છે અને તે આગ આગામી ચૂંટણીઓમાં રાજકીય સમીકરણોને પણ બદલી શકે છે. કારણ કે જ્યારે સમાજની દીકરી માટે ન્યાયની માંગ ઉઠે છે, ત્યારે તે માત્ર એક અવાજ નથી રહેતો, પરંતુ જનઆંદોલન બની જાય છે.
અને તારાપુરમાં રાજકારણ ની આગ મિલરામપૂરા થી લાગે છે વલ્લી એની બેઠક થાય છે અને ઓપરેશન ફતેપુરામાં થાય છે તેવુ પહેલે થી કહેવાય છે.
બ્યુરો: આરીફ શેખ

