તારાપુર તાલુકાનું રાજકીય રીતે મહત્વ ધરાવતું મોરજ ગામ… જ્યાંથી મોટા મોટા રાજકીય સમીકરણો રચાય છે. પરંતુ વિકાસના મામલે ગામની હકીકત જોતા સવાલ ઊભો થાય છે — શું અહીં વિકાસ માત્ર ભાષણોમાં જ થાય છે ?
ગામના સરપંચ બનવું ગર્વની વાત ગણાય, પરંતુ મોરજ ગામમાં સરપંચશ્રી દ્વારા કરવામાં આવતા કામોમાં વ્હાલાં-દવલાંની નીતિ અપનાવાતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે.
દરગાહ ચોક પાસે આવેલ ગટરનું તૂટેલું ઢાંકણું છેલ્લા સાડા ચાર વર્ષથી પંચાયતની બેદરકારીનું જીવતું સ્મારક બની ઊભું છે. ગ્રામજનોએ અનેકવાર પંચાયત સમક્ષ રજૂઆતો કરી, અરજી કરી, વિનંતી કરી… પરંતુ પરિણામ શૂન્ય !

દર વખતે પંચાયતના પ્રતિનિધિઓ ઢાંકણું “જોઈ” તો જાય છે, પણ જાણે મોરજ ગામ માટે યોગ્ય માપનું ઢાંકણું દુનિયામાં બને જ નહીં એવું લાગે છે. એકાદ વખત ઢાંકણું નાખવામાં આવ્યું પણ માપ વગર નાખતા ભારે વાહન પસાર થતા ફરી તૂટી ગયું , અને સાથે પંચાયતની કામગીરી પણ !

ગ્રામજનોએ વધુ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે આ વિસ્તાર મુસ્લિમ બહુલ વિસ્તાર હોવાથી અહીં વિકાસ કામો પ્રત્યે સરપંચ જાણે અણગમો કે ઉદાસીનતા દાખવે છે. રજૂઆતો થાય છતાં કામ હાથ ધરાતું નથી.
હાલ સ્થિતિ એવી છે કે ગટર ઉભરાઈ રહી છે, ગંદુ પાણી આખા ચોકમાં ફેલાઈ રહ્યું છે, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને લોકોના આરોગ્ય પર સીધી અસર પડી રહી છે. ઉપરથી પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ઈબાદત માટે જતા લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
દુર્ઘટના ન બને એ માટે સ્થાનિક લોકોએ પોતાના ખર્ચે બાવળના ઝાડના ઝરડા નાખી જોખમ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે જ્યારે ગામની સુરક્ષા કરવાની જવાબદારી પંચાયતની છે, ત્યારે કામ ગ્રામજનો કરી રહ્યા છે!
એક ગામધણી તરીકે સરપંચની ફરજ છે કે ગામના દરેક સમાજ, દરેક વોર્ડ અને દરેક નાગરિકને સમાન સુવિધા મળે. પરંતુ મોરજ પંચાયત વેરા ઉઘરાવવામાં તો આગળ, પરંતુ સમસ્યા ઉકેલવામાં પાછળ હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે.
સવાલ હવે સીધો છે કે,
પાંચ વર્ષમાં રસ્તા, પાણી, વિકાસના દાવા થયા…
પણ એક ગટરનું ઢાંકણું પણ બદલાઈ શક્યું નહીં ?
મોરજ ગામના લોકો હવે પૂછે છે
આ વિકાસ છે કે બેદરકારીનું રાજ ?
બ્યુરો: આરીફ શેખ

