કાળા કાંચ રાખી કાળા કામ કરનારા સાવધાન!
તારાપુર પોલીસની લાલ આંખ — હવે “ફિલ્મ” પણ ઉતરશે અને કાયદાનો પાઠ પણ ભણાવાશે

તારાપુર વિસ્તારમાં વાહનોમાં કાળા કાંચ લગાવીને ફરતા અને તેની આડમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતા તત્વો માટે હવે ચેતવણી સમાન સ્થિતિ ઉભી થઈ છે. તારાપુર પોલીસ દ્વારા આવા વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની સ્પષ્ટ ચેતવણી છે કે કાળા કાંચ લગાવીને કાયદાને ચકમો આપવાનો પ્રયાસ કરનારાઓ હવે બચી શકશે નહીં.
તાજેતરમાં તારાપુર પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે, જેમાં કાળા કાંચ ધરાવતા વાહનોને રોકી તેમની તપાસ કરવામાં આવી રહી છે. નિયમનો ભંગ કરનાર વાહનચાલકોની ગાડી પરથી સ્થળ પર જ કાળા કાંચની “ફિલ્મ” ઉતારી નાખવામાં આવી રહી છે અને સાથે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ કાળા કાંચનો ઉપયોગ ઘણીવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઢાંકવા માટે કરવામાં આવે છે, જે કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ગંભીર બાબત છે. એટલા માટે તારાપુર પોલીસ હવે આ મામલે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવાના મૂડમાં નથી.
પોલીસે વાહનચાલકોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે
“કાળા કાંચ રાખી કાળા કામ કરનારા સાવધાન! તારાપુર પોલીસની નજરે ચઢ્યા તો ફિલ્મ તો ઉતરશે જ, સાથે કાયદાની ચુંગલમાં પણ ફસાવું પડશે.”
તારાપુર પોલીસની આ કામગીરીથી કાયદો અને વ્યવસ્થા મજબૂત બનશે તેવી લોકોમાં આશા વ્યક્ત થઈ રહી છે, અને સામાન્ય નાગરિકોએ પણ આ અભિયાનને આવકાર્યું છે. હવે જોવું એ રહ્યું કે કાયદાનો ડર રાખી લોકો નિયમોનું પાલન કરે છે કે નહીં.
બ્યુરો:આરીફ શેખ

