ખંભાત તાલુકાના વૈણેજ ગામે ફરી રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત — MGVCLની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ
ખંભાત તાલુકાના વૈણેજ ગામે મધ્ય ગુજરાત વીજ કંપની ખંભાત (MGVCL)ની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ગામના વૈણેજ વડગામ મુખ્ય રોડની ધાર પર આવેલ વીજ ટ્રાન્સફોર્મર આસપાસ ખુલ્લા વીજ વાયર અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર વીજ કરંટનો ભોગ બનતા મોતને ભેટ્યો છે. આ ઘટના માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ લાંબા સમયથી ચાલતી તંત્રની લાલિયાવાડીનું જીવંત ઉદાહરણ બની ગઈ છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્થળે અગાઉ પણ અનેક નિર્દોષ જીવ મોતને ભેટ્યા છે. અત્યાર સુધીમાં અહીં આશરે 25 જેટલા મોર અને 5 જેટલા વાંદરા વીજ કરંટ લાગવાથી મરી ગયા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ મામલે ગ્રામજનો દ્વારા ત્રણથી ચાર વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ કોઈ અસરકારક પગલાં લીધા નથી.

ગામજનોનું કહેવું છે કે મુખ્ય રોડ પાસે આવેલ ટ્રાન્સફોર્મર આસપાસ, સુરક્ષા માટે યોગ્ય ગાર્ડિંગ કે વાડ નથી, અને વીજ વાયરો ખુલ્લા છે જેના કારણે મોર, વાંદરા અને અન્ય પક્ષીઓ સહેલાઈથી ત્યાં પહોંચે છે અને કરંટનો ભોગ બને છે. વારંવાર રજૂઆતો છતાં તંત્રની નિષ્ક્રિયતા અનેક પ્રશ્નો ઉભા કરે છે.
દેશનું ગૌરવ ગણાતું રાષ્ટ્રીય પક્ષી મોર આ રીતે વારંવાર વીજ કરંટથી મરી રહ્યું હોય ત્યારે પ્રશ્ન થાય છે કે ,શું તંત્ર વાઈલ્ડ લાઈફ માટે એટલું પણ સંવેદનશીલ નથી?
કે પછી મોર અને અન્ય જીવનાં જીવન ની તંત્ર માટે કોઈ કિંમત જ નથી?
વૈણેજ ગામમાં બનેલી આ ઘટના હવે માત્ર એક ગામનો પ્રશ્ન નથી, પરંતુ વાઈલ્ડ લાઈફ સુરક્ષા અને તંત્રની જવાબદારી પર મોટો સવાલ ઊભો કરે છે. જો સમયસર ટ્રાન્સફોર્મર આસપાસ સુરક્ષિત વાડ, ગાર્ડિંગ અને યોગ્ય જાળવણી કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય છે.

હવે ગ્રામજનોની એક જ માંગ છે તંત્ર તરત જ આ સ્થળે સુરક્ષા વ્યવસ્થા ઉભી કરે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે અને વાઈલ્ડ લાઈફ ના જીવ બચાવવા માટે કડક પગલાં લે.
નહીંતર આવતીકાલે ફરી કોઈ મોર કે વાંદરો વીજ કરંટનો ભોગ બનશે અને દરેક વખતે માત્ર શોક વ્યક્ત કરવામાં આવશે,રાષ્ટ્રીય પક્ષી મોરના મોતે માત્ર એક પક્ષી નહીં પરંતુ કુદરત પ્રત્યેની બેદરકારીને પણ ઉજાગર કરી છે. હવે જરૂરી છે કે તંત્ર તરત જ જાગે, વીજ લાઈનની યોગ્ય મરામત કરે અને વાઈલ્ડ લાઈફ માટે સુરક્ષિત વાતાવરણ ઉભું કરે.
બ્યુરો: આરીફ શેખ

