તારાપુર તાલુકાના ઇન્દ્રણજ ખાતે આવેલી ડયુરાવીટ કંપનીની કેન્ટીનમાં ભોજનની ગુણવત્તાને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વર્કરોના જણાવ્યા મુજબ નાસ્તો કરતી વખતે કેટલીક ડીસમાં ઈયળ અને ધનેરા જેવા જીવાતો જોવા મળતાં કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો.
હવે સવાલ એ છે કે વર્કરો મહેનત કરીને પગાર કમાવવા જાય છે કે થાળીમાં જીવાત શોધવાની ‘સ્પર્ધા’માં ભાગ લેવા?

વર્કરોનો આક્ષેપ છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ ભોજનમાં કીડા મળ્યા હોવાની ફરિયાદો કરવામાં આવી હતી અને મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવતા દર વખતે “હવે પછી આવું નહીં થાય” તેવી ખાતરી આપવામાં આવી હોવાનો વર્કરોનો દાવો છે.
પરંતુ જો ફરિયાદો છતાં ફરી આવી ઘટના સામે આવી હોય તો સવાલ સીધો છે,
“હવે પછી નહીં થાય”ની ખાતરી કેટલી વખત આપશો અને તેની જવાબદારી ક્યારે નક્કી થશે?
વર્કરોના જણાવ્યા મુજબ કંપનીની કેન્ટીન બરોડાના એક કોન્ટ્રાક્ટર દ્વારા ચલાવવામાં આવી રહી છે. જો આક્ષેપો સાચા હોય તો માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં, પરંતુ કંપની મેનેજમેન્ટની દેખરેખ અને ખાદ્ય સ્વચ્છતા વ્યવસ્થા પણ તપાસનો વિષય બનવી જોઈએ.
ભોજનમાં જીવાત મળવી માત્ર “ભૂલ” કહીને ટાળી શકાય તેવી બાબત નથી. અશુદ્ધ અથવા દૂષિત ખોરાક પીરસવામાં આવ્યો હોવાની ફરિયાદ હોય ત્યારે Food Safety and Standards Act, 2006 તથા લાગુ પડતા નિયમો મુજબ સક્ષમ તંત્ર દ્વારા તપાસ થવી અને જવાબદારી નક્કી થવી જરૂરી છે.
હવે અહીં સૌથી મોટો સવાલ જવાબદાર તંત્રને છે કે,
કંપનીની કેન્ટીનમાં કર્મચારીઓને ભોજન સાથે ઈયળ-ધનેરા પણ પીરસાઈ રહ્યા હોવાના આક્ષેપો સામે ક્યારે તપાસ થશે?
કેન્ટીનની કિચન હાઇજીન, પાણી, કાચો માલ, સંગ્રહ વ્યવસ્થા અને તૈયાર ભોજનના સેમ્પલની તપાસ થશે કે ફરી એકવાર “હવે પછી આવું નહીં થાય” કહીને મામલો ઠંડો પાડવામાં આવશે?
વર્કરોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તે પહેલાં તંત્રએ ફરિયાદને ગંભીરતાથી લઈ સ્થળ તપાસ, ખાદ્ય નમૂનાની ચકાસણી અને જો ઉલ્લંઘન સાબિત થાય તો નિયમ મુજબ કાર્યવાહી કરવી જોઈએ.
કારણ કે કામદારને થાળીમાં પોષણ જોઈએ…
કીડા નહીં!
બ્યુરો:આરીફ શેખ

