October 13, 2026 12:01 pm

નારના ગોકુલધામમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની પ્રેરણાદાયી મુલાકાત!

શિક્ષણથી સેવા અને સંસ્કાર સુધીની ગોકુલધામની સફર નિહાળી મંત્રીશ્રીએ કર્યા ભરપૂર વખાણ

આણંદ | પેટલાદ | નાર

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના નાર ગામે શિક્ષણ, સેવા અને સંસ્કારનો ત્રિવેણી સંગમ બનીને કાર્યરત ગોકુલધામ સંસ્થાની રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના માનનીય મંત્રીશ્રી રીવાબા જાડેજાએ મુલાકાત લીધી હતી.

સરકારશ્રીના કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી આ મુલાકાત દરમિયાન ગોકુલધામ સંસ્થામાં મંત્રીશ્રીનું NCCના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય અને શિસ્તબદ્ધ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે સંસ્થાના મંદિરમાં બિરાજમાન ગણેશજીના દર્શન કરી પૂજા-અર્ચના અને આરતીમાં ભાગ લઈ આશીર્વાદ મેળવ્યા હતા.

શિક્ષણથી લઈને વૃદ્ધસેવા અને રમતગમત સુધીની વ્યવસ્થા નિહાળી

ગોકુલધામ ખાતે મંત્રીશ્રીએ પ્રિ-સ્કૂલથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની શૈક્ષણિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ સંસ્થામાં ચાલતા વૃદ્ધાશ્રમ, ગૌશાળા તેમજ ક્રિકેટ, વોલીબોલ અને ટેનિસ સહિતની રમતગમતની સુવિધાઓની પણ મુલાકાત લઈ સમગ્ર વ્યવસ્થાની માહિતી મેળવી હતી.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ પ.પૂ. શુકદેવ સ્વામી તથા સંતોના માર્ગદર્શન હેઠળ ગોકુલધામ દ્વારા ચાલી રહેલી વિવિધ શિક્ષણ અને સેવાપ્રવૃત્તિઓ અંગે મંત્રીશ્રીને વિગતવાર માહિતી આપી હતી.

“ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંસ્કાર પણ જરૂરી”

મંત્રીશ્રી રીવાબા જાડેજાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અનુસંધાનમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ, ડ્રોપઆઉટ ઘટાડવા તેમજ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે આત્મીય મુલાકાત

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ વૃદ્ધાશ્રમની પણ મુલાકાત લઈ વડીલો સાથે આત્મીય સંવાદ કર્યો હતો અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓ સાથે થોડો સમય વિતાવી તેમની સાથે સંવાદ સાધ્યો હતો.

ગોકુલધામની શિક્ષણ, સેવા અને સંસ્કારની અનોખી કામગીરીને બિરદાવતાં મંત્રીશ્રીએ સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાપ્રવૃત્તિઓ અંગે વધુ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં પુનઃ મુલાકાત લેવાની ભાવના પણ વ્યક્ત કરી હતી.

ગોકુલધામ નારની મુલાકાત માત્ર એક મુલાકાત નહીં, પરંતુ શિક્ષણ સાથે સેવા અને સંસ્કારના સંકલ્પને નજીકથી નિહાળતી એક પ્રેરણાદાયી ક્ષણ બની રહી હતી.

બ્યુરો:આરીફ શેખ