August 22, 2026 4:52 pm

લોકોને સાજા કરનાર ડૉક્ટરની કારથી ત્રણ લોકો અડફેટે, પેટલાદ સિવિલમાં બેદરકારીનો કડવો ચહેરો?

દર્દીની ખબર લેવા ગયા… અને પોતે જ દર્દી બની ગયા!

લોકોને સાજા કરનાર ડૉક્ટરની કારથી ત્રણ લોકો અડફેટે, પેટલાદ સિવિલમાં બેદરકારીનો કડવો ચહેરો?

પેટલાદ સિવિલ હોસ્પિટલમાં એવી ઘટના બની કે જેને સાંભળીને દરેકના મનમાં એક જ સવાલ ઊભો થાય જો હોસ્પિટલ જ સુરક્ષિત ન હોય તો પછી સુરક્ષા ક્યાં શોધવી?

પેટલાદ સિવિલ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તારમાં રેસિડન્ટ ડૉક્ટર ડૉ. તન્વી હેમાંગ ધ્રુવની કારે ત્રણ લોકોને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં તારાપુર તાલુકાના મોરજ ગામના વર્ષાબેન પ્રવિણભાઈ વાઘેલાને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને વધુ સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, દર્દીની ખબર લેવા આવેલા સંબંધીઓ હોસ્પિટલ પરિસરમાં જમવા બેઠા હતા ત્યારે કાર તેમની તરફ ધસી આવી હતી. સ્થળ પર હાજર લોકોએ બૂમાબૂમ કરતાં કાર અટકાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઘટનાને લઈને હોસ્પિટલ પરિસરમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી.

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ તપાસમાં સ્પષ્ટ થશે.

જ્યાં દર્દીઓને જીવન આપવાની જવાબદારી હોય, ત્યાં જો બેદરકારી જીવન પર જ ભારે પડે, તો લોકો સારવાર પર વિશ્વાસ કરે કે પોતાની સલામતીની ચિંતા? હોસ્પિટલમાં દર્દીને જોવા આવેલા લોકો જ જો હોસ્પિટલના દર્દી બની જાય, તો આ માત્ર અકસ્માત નથી આ સુરક્ષા વ્યવસ્થાને લાગેલો ગંભીર સવાલ છે.

બ્યુરો:આરીફ શેખ